નૈરોબી: પૂર્વ આફ્રિકા સત્સંગી સ્વામીનારાયણ મંદિરને ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ તેમજ ફોરેસ્ટ માર્ગ પરના નૂતન મંદિરને ૨૦ વર્ષ થતાં કેન્યાના પાટનગર નૈરોબીમાં દ્વિશતાબ્દી મહોત્સવનો ૧૯મી ડિસેમ્બરે દબદબાભેર પ્રારંભ થયો હતો. યુવાનોના પાઈપ બેન્ડના લેઝિમ અને મહિલાઓ દ્વારા કચ્છી ઢોલ પાર્ટીના તાલે નૈરોબી ગાજ્યું હતું. પોથીયાત્રા પ્રસંગે મંદિરના દેવોને ૧૨ સુવર્ણ છત્ર અર્પણ કરાયા હતા.
કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ મનજીભાઈ કાનજી રાઘવાણી, મંત્રી મનોજ આસાણી તથા સમગ્ર ટ્રસ્ટ મંડળ સહિતના સહિયારા આયોજનથી અને ભુજ સ્વામીનારાયણ મંદિરના વડીલ સંતો પુરાણી નિરન્નમુક્તદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રીહરિદાસજી સ્વામી, વરિષ્ઠ કોઠારી પાર્ષદ જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી ભગવદજીવનદાસજી સ્વામી આદિ સંતોની નિશ્રામાં પ્રથમ પોથીપૂજન થયું હતું. ફોરેસ્ટ માર્ગથી શરૂ થયેલી યાત્રામાં સૌથી આગળ બાળલેઝિમ તે પછી યુવાનો બાદમાં કચ્છ સત્સંગમાં ખ્યાત પૂર્વ આફ્રિકા મંદિરની સ્વામીનારાયણ પાઈપ બેન્ડની સુરાવલિઓ ગુંજી હતી. બેન્ડની પાછળ હરિભક્તો, મંદિરના પાયાના આગેવાન દાતા લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી સાથે મંદિરની સમિતિના સભ્યો, યુ.કે. - આફ્રિકાના વિવિધ કેન્દ્રોના મંદિર સમિતિના સભ્યો, આખાતી દેશો અને ઓસ્ટ્રેલિયા તેમજ કચ્છથી ઉત્સવ માણવા આવેલા હરિભક્તો જોડાયા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના અમદાવાદ ગાદીના ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદજી પણ જોડાયા હતા. પોથીયાત્રા કથામંડપમાં સભામાં ફેરવાઈ હતી ત્યાં મંદિર કમિટીના સભ્યોએ લાલજી મહારાજ તથા સંતોનું સ્વાગત કર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પછી કેન્યામાં આ મોટો અવસર હતો તેથી લોકોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. સભામંડપની પાશ્ચાદભૂમાં ભારતીય કિલ્લાની કલાકૃતિ સભામંડપને દીપાવી રહી હતી.